6 ડિસેમ્બર1956
"ડૉ. આંબેડકર જીવન અને કાર્ય" પુસ્તક માંથી બાબાસાહેબ ના અંતિમ દિવસની સફર
5મી ડિસેમ્બર વહેલી સવારે નાનકચંદ રત્તુ ઉઠ્યા ઉઠીને જોયું તો બાબાસાહેબ સુતેલા હતા તે પછી બાબાસાહેબ સવારે 8:45કલાકે ઉઠયા.
નાનકચંદ રત્તુ તેમની રજા લઈ સાઇકલ પર નોકરીએ ગયા.
ડો.સવિતા આંબેડકર (ડૉ.શારદા) ડૉ.માલવણકર સાથે બપોરે 1:30 કલાકે કાર લઈ બજારમાં ગયા હતા. સાંજે સાડા પાંચ સુધી પરત ન આવ્યા. તેથી બાબાસાહેબ ખૂબ જ ગુસ્સે થયેલા. નાનકચંદ રત્તુ ના આવ્યા બાદ તેઓ પરત ફર્યા હતા
રાત્રે 8 વાગ્યે બાબાસાહેબ થોડા શાંત થયા. જૈન પ્રતિનિધિ મંડળ મળવા આવ્યું તો તેમને મળ્યા.તે પછી બૌદ્ધ અને જૈન ધર્મ વિશે થોડી ચર્ચાઓ થઈ પ્રતિનિધિ મંડળે "બૌદ્ધ ઔર જૈન" પુસ્તકની એક નકલ બાબાસાહેબ ના હાથમાં આપી.
નાનકચંદ રત્તુ એ થોડીવાર બાબાસાહેબના પગ દબાવ્યા. માથામાં તેલ પણ ચોળી આપ્યું. બાબાસાહેબને થોડું સારું લાગ્યું તેથી તેમણે પલંગના હાથા ઉપર જમણા હાથની આંગળીઓ દ્વારા તાલ દઈ કશુંક ગાયું.
એ ધૂન હતી... બુદ્ધમ્ શરણમ્ ગચ્છામી..
રત્તુએ તે ગીત રેડીયોગ્રામ પર વગાડ્યું. રેકર્ડ વાગતા બાબાસાહેબ તેમાં તલ્લીન થઈ એની સાથે ગાતા હતા.
જમવાનો વખત થતા થોડા ભાત જમ્યા અને પછી લાકડીના ટેકે શયનખંડમાં ચાલ્યા ગયા.
જો કે જમવા ગયા એ પહેલાં તેમણે કેટલાક ગ્રંથો કબાટમાંથી કાઢ્યા હતા.
આ ગ્રંથો જોઈને ટેબલ ઉપર પાછા મુક્યા અને પોતે બે ચાર મિનિટ પછી હાથમાં લાકડી લઈ "ચલો કબીર કેરા ભવસાગર ડેરા" એ કબીરનું પદ ગનગણતાં તેઓ ઉઠ્યા અને રસોડા પાસેના શયનખંડમાં બિછાના પર આડા પડ્યા.
રાત્રિના 11.15 વાગ્યા હતા. આગલી રાત્રે પણ રત્તુ ઘેર નહોતા ગયા. બાબાસાહેબ સુઈ ગયા છે એમ માની તેણે ટેબલ ઉપરના પુસ્તકો સરખા કર્યા. અવાજ થવાથી બાબાસાહેબ જાગી ગયા. રત્તુએ ઘેર જવા રજા માગી. સાઇકલ લઈ એ હજુ દરવાજે પણ પહોંચ્યો નહોતો ત્યાં જ નોકર સુદામાએ બૂમ પાડી તેને પરત બોલાવ્યો.
બાબાસાહેબે રત્તુ પાસે 'બુદ્ધ ઔર ઉસકા ધમ્મ' એ ગ્રંથની પ્રસ્તાવના અને આમુખની ટાઈપ નકલો તેમજ આચાર્ય અત્રે એ લખેલા કેટલાક પત્રો કબાટમાંથી કઢાવી ટેબલ ઉપર રખાવ્યા.
'આ પ્રસ્તાવના અને પત્રો હું રાત્રે ફરી વાંચી જઈશ.' એમ કહી રત્તુને વિદાય કર્યો.
સુદામાએ પલંગ પાસે કોફી ભરેલ થરમૉસ અને મીઠાઈની રકાબી મૂકી. બાબાસાહેબે સેવક સુદામાને પણ સુઈ જવા કહ્યું.
પછી તો રાત્રે શું થયું... મોત રાહ જોઇને છુપાઈ બેઠું છે કોને ખબર..!!!
સવારે છ વાગ્યે સવિતાએ સાહેબના શયનખંડમાં નજર કરી તો બાબાસાહેબ નો એક પગ ઓશિકા ઉપર ટેકવેલો જોયો તેઓ સમજ્યા કે સાહેબ સૂતા છે.
નિત્યક્રમ મુજબ બગીચામાં એક ચક્કર મારી રોજની ટેવ મુજબ તેઓ બાબાસાહેબને ઉઠાડવા માટે ગયા. જગાડવાના ઘણા પ્રયત્નો કર્યા પણ એ ચીર નિંદ્રા હતી
સાહેબ તો ચિર નિંદ્રામાં પોઢી ગયા હતા અને પતિ હવે આ જગતમાં નથી એમ લાગતાં એમણે કારમો આંચકો અનુભવ્યો.
તરત જ ગાડી મોકલી રત્તુને તેડાવ્યો. રત્તુ આવતા જ 'સાહેબ, આપણને છોડીને ચાલ્યા ગયા...' એમ વિલાપ કરતા કરતા સવિતાબેન રડતા રડતા સોફા ઉપર ફસડાઈ પડ્યા.
રત્તુએ શયનખંડમાં જઇ મસાજ કરી હાથ પગ દબાવી બાબાસાહેબના હૃદયને પુનઃ ચાલુ કરવા પ્રયત્ન કર્યો પણ તેઓ ચીર નિંદ્રામાં પોઢી ગયા હતા
આમ ઉંઘમાં જ બાબાસાહેબ ચિર નિંદ્રામાં પોઢી ગયા હતા.
નાનકચંદ રત્તુએ બાબાસાહેબ ના પરિચય વર્તુળને એમના દેહાવસાન ના સમાચાર આપ્યા કેન્દ્રીય મંત્રીમંડળના સભ્યોને પણ સમાચાર મોકલાવ્યા
વાયુવેગે સમાચાર વહેતા થયા. બાબાસાહેબ ના ચાહકો,સરકારી અધિકારીઓ, અનુયાયીઓ ની નવી દિલ્હીના 26, અલીપુર માર્ગ ઉપર ભીડ થવા લાગી.
વડાપ્રધાન નહેરુ, ગૃહ પ્રધાન ગોવિંદ વલ્લભ પંત, નાગર ઉડ્ડયન મંત્રી બાબુ જગજીવનરામ, રાજ્યસભાના ઉપાધ્યક્ષ સહિતના અનેક નેતાઓ, અધિકારીઓ, અને બાબાસાહેબના હજારો અનુયાયીઓ ઉમટી પડ્યા હતા.
આકાશવાણી ઉપરથી બપોરે તેમના અવસાનના સમાચાર વહેતા થયા. કરોડો ભારતીય લોકોએ ઊંડો આઘાત અનુભવ્યો. હજારો લોકો અંતિમ દર્શને ઉમટી પડ્યા.
તેમના દેહને વિમાનમાં મુંબઈ લઈ જવાનું નક્કી થયું.
એક ટ્રકમાં તેમના મૃતદેહને ગોઠવી સ્મશાનયાત્રાનો પ્રારંભ થયો. 'બાબાસાહેબ અમર રહો' ના પ્રચંડ નારાઓથી દિલ્હીનું આકાશ ગાજી ઉઠ્યું. રસ્તાની બન્નેબાજુ હકડેઠાઠ મેદની આંખમાં આંસુ સાથે પોતાના મુક્તિદાતાને અંતિમ વિદાય આપવા ઉમટી પડી હતી.
અંતિમયાત્રાને વિમાન મથકે પહોંચતા પૂરા પાંચ કલાક થયા. રાત્રે સાડા નવ વાગ્યે વિમાન દિલ્હીથી ઉપડ્યું. નાનકચંદ રત્તુ,ડૉ. સવિતા આંબેડકર, સુદામા સાથે ભીખ્ખુ આનંદ કૌશલ્યાયન વગેરે સાથે હતા.
રાત્રે ત્રણ વાગ્યે મુંબઈના શાન્તાક્રુઝ વિમાનમથકે બાબાસાહેબનો મૃતદેહ ઉતાર્યો, ત્યાં તો જાણે કે મુંબઈ આખું હિબકે ચડ્યું.
મુંબઈમાં રાત્રિના 2 વાગ્યે શાન્તાક્રુઝથી દાદર સુધીના આઠેક કિલોમીટરના માર્ગ ઉપર હજારો લોકો આગળના દિવસથી જ ભૂખ્યા,તરસ્યા, નીંદર કર્યા વિનાના બેઠા હતા, આંખોમાં આંસુ સારતા, પોતાના પ્રિય નેતાના અંતિમ દર્શનાર્થે..!
હા, મુંબઈ જ નહીં, પરંતુ સમગ્ર મહારાષ્ટ્ર અને ગુજરાતમાંથી તથા સમગ્ર દેશમાંથી બાબાઘેલા અનુયાયીઓ પોતાના મસિહાના અંતિમ દર્શન માટે ઉમટી પડ્યા હતા.
હા, કરોડો દલિતો, શોષિતો, પીડિતોના તારણહાર ચાલ્યા ગયા હતા.
કારખાના, સ્કૂલ-કોલેજ, થિયેટરો, મિલો, રેલવે, મહાનગરપાલિકા... જાણે કે મુંબઈ આખું બંધ હતું. મહારાષ્ટ્રના અનેક શહેરોમાં સ્વંયભુ હડતાળ પાડવામાં આવી હતી.
લાખો લોકો શોકમય હતા, હજારો લોકો ચોધાર આંસુએ રડતા હતા, અસંખ્ય લોકો બેભાન થયા હતા.
બપોરે એક ટ્રકમાં બાબાસાહેબના મૃતદેહને મૂકી ફૂલોથી સજાવી અંતિમયાત્રા નીકળી. અને આ અંતિમયાત્રા જે માર્ગ ઉપર થી નીકળી એ માર્ગ ને "આંબેડકર માર્ગ"નામ આપવામાં આવ્યું.બપોરે દોઢ વાગ્યે નીકળેલી અંતિયાત્રાને દાદર પહોંચતા પાંચ કલાક થયા. આ પહેલા મુંબઈએ આવી સ્મશાનયાત્રા ક્યારેય જોઈ નહોતી.
રસ્તાની બન્ને બાજુથી પુષ્પહારોનો વરસાદ વરસતો હતો. બે માઇલ લાંબી આ અંતિમયાત્રામાં લાખો લોકો જોડાયા હતા. પાંચ લાખથી પણ વધુ લોકોએ બાબાસાહેબનો અંતિમવિધિ નિહાળ્યો.
સાંજે 7.30 વાગ્યે પુત્ર યશવંતરાવે અગ્નિદાહ આપ્યો. સમગ્ર જન સમુદાય શોકમાં ડૂબી ગયો હતો.મુંબઈ પોલીસે એ મહાન નેતાને આખરી સલામી આપી.આ પ્રકારનું સરકારી સન્માન મુંબઈમાં પ્રથમ જ વાર બિનસરકારી વ્યક્તિને અપાયું.
જે દિવસે ભારતમાં સાચી ખાતે એક અઠવાડિયા સુધી ઉજવાતો 2500મો બુદ્ધ જયંતિનો ઉત્સવ પૂરો થયો એજ 7 ડિસેમ્બર 1956 ના રોજ બાબાસાહેબ નો પાર્થિવ દેહ પણ અદ્રશ્ય થયો.
દેશ વિદેશના અનેક નેતાઓ અને સમાચાર પત્રોએ શ્રદ્ધાંજલિ પાઠવી.
સમગ્ર દેશમાં આંબેડકરના મૃત્યુનો શોક વ્યક્ત કરવામાં આવ્યો. તેમના અવસાનથી દેશએ એક મહાન સપૂત ગુમાવ્યો એમ સર્વ રાષ્ટ્રીય પક્ષોએ કહ્યું. છેલ્લાં ૩૦થી અધિક વર્ષો સુધી જેમણે રાષ્ટ્રીય ચળવળમાં આગળ પડતો ભાગ લઈ અનેકવિધ મહત્ત્વનાં અને પ્રભાવી કામ કર્યા તેવી વ્યક્તિને ભારતીય રાજકારણના પડદા પરથી મૃત્યુએ અદશ્ય કરી દીધી. તેમના અવસાનથી વિશ્વની લોકશાહી કમજોર થઈ હતી અને લોકશાહીના એક મહાન હિમાયતી હવે રહ્યા ન હતા. રાજ્ય બંધારણનું પ્રચંડ કાર્ય અને હિંદુસહિતા સંબધીનું કામ કરી રાષ્ટ્રની તેમણે મોટી સેવા કરી, એ બાબતનું સ્મરણ કરી વડા પ્રધાન પંડિત જવાહરલાલ નેહરુએ લોકસભામાં કહ્યું કે, “ હિંદુ સમાજની જુલમ અને સીતમ વરસાવતી બધી પ્રવૃત્તિઓ સામે બળવો કરનાર વ્યક્તિ તરીકે લોકો આંબેડકરને હંમેશા યાદ કરશે. આ જુલમ કરનાર પ્રવૃત્તિ સામે તેમણે ઉગ્ર વિરોધ કર્યો તેથી લોકોમાં જાગૃતિ આવી હતી. આંબેડકર એક વિવાદાસ્પદ મહાન વ્યક્તિ હતા, છતાં તેમણે સરકારી કામકાજમાં રચનાત્મક અને મહત્ત્વનું કામ કર્યું". આંબેડકરે જેની સામે બંડ કર્યું તે સામે દરેક વ્યક્તિએ બંડ કરવું જોઈએ. અલૌકિક રાષ્ટ્રપુરુષની માળાના આંબેડકર પણ એક મણકો સમાન હતા. તેમણે તેમના માનમાં લોકસભાનું કામકાજ એક દિવસ બંધ રાખવાની હિમાયત કરી.
રાજગોપાલચારીએ કહ્યું કે બાબાસાહેબ ના ક્રોધનું દર્શન એટલે બૌદ્ધ ધર્મની એમણે લીધેલી દીક્ષા.
ભારતના અખબારોએ ડૉ. આંબેડકર સાહેબને અછૂતો ના છેવટના શૂરવીર અને અત્યત હિમાયતી તરીકે મૂલવ્યા. તેઓ ભારતના એક મહાન સપૂત, એક પ્રકાંડ વિદ્વાન, કાયદાશાસ્ત્રી અને આંતરરાષ્ટ્રીય કીતિને વરેલા બંધારણનિષ્ણાત અને મહાન સંસસદપટુ હતા તે સૌએ માન્ય કર્યું. આંબે ડકર એક કર્તવ્યનિષ્ઠ, બુદ્ધિશાળી વ્યક્તિ હતા. જુદી પરિસ્થિતિમાં તેમણે પોતાના સમાજની અને પોતાના દેશની આથીયે વધુ માટી સેવા કરી હોત.”
એક સૂરજ જે 6 ડિસેમ્બર ની સવારે જ અસ્ત થઈ ગયો.
(સંજય ભાટિયા)

Comments
Post a Comment