દિપદાનોત્સવ


 આ આસો મહિનામાં આપણે બે તહેવાર ઉજવીએ છીએ, દશેરા અને દિવાળી. જેની પાછળ અનુક્રમે રાવણ વધ અને શ્રીરામનુ અયોધ્યા આગમનની વાતો આપણને નાનપણથી ભણાવવામાં તેમજ જણાવવામાં આવી રહી છે. અહીં સુધી કે ઈન્ટરનેટ (વિકિપીડીયા તથા અન્ય) થી માંડીને પાઠ્યપુસ્તકો તેમજ નાની નાની ચોપડીઓથી માંડીને છાપા-પુર્તીઓ ને માટા સાહિત્યિક પુસ્તકો પણ એ જ દર્શાવે છે. 


એટલે તેની પાછળ રહેલ કથાનકો જાણવા મળે છે, આ બંને દિવસે લોકો કઈ રીતે આ તહેવાર ઉજવે છે. તેવી બાબતો વિશે આપણને જાણકારીઓ મળતી રહેતી હોય છે. પણ આપણને ક્યારેય પણ એ જાણવામાં નથી આવતુ અથવા એ જાણકારી છુપાયેલી રહે છે કે વાસ્તવમાં આ તહેવારો ઉજવવાની શરૂઆત ક્યારથી થઈ? 


શ્રીમદ વાલ્મિકીકૃત રામાયણ જે શ્રીરામ-રાવણનો આધારભૂત સ્ત્રોત છે. તે અનુસાર રાવણ વધ ફાગણ વદ અમાસ અથવા ચૈત્ર સુદ એકમના રોજ થયેલ હતો. અને શ્રીરામનુ અયોધ્યા આગમન ચૈત્ર મહિનામાં થયુ. રામાયણ અનુસાર તે દિવસ ચૈત્ર સુદ 6 (છઠ્ઠ) હોવો જોઇએ. 


આમ વનવાસ, રાવણવધ અને શ્રીરામના અયોધ્યા પાછા ફરવાની ઘટનાઓ ફક્ત માર્ચ-એપ્રિલ (ચૈત્ર) મહિનામાં જ બની હતી. 


શું તે આપણી સાથે થતી સૌથી મોટી છેતરપિંડી નથી કે જેના દ્વારા આપણા કરોડો લોકોને મનાવવામાં આવે છે કે સપ્ટેમ્બર-ઓક્ટોબર (અત્યારે નવેમ્બર) માં દશેરા અને દિવાળીના તહેવારો રાજા રાવણની હત્યા અને ત્યારબાદ માર્ચ-એપ્રિલમાં શ્રીરામના પાછા ફરવા સાથે જોડાયેલા છે? દુર્ભાગ્યે, બધા બ્રાહ્મણવાદીઓ રાધાકૃષ્ણન જેવાથી લઈને રસ્તા પર બેસીને ભાગ્ય કહેનારા વિદ્વાનો આપણને મૂર્ખ બનાવી રહ્યા છે. 


સૌથી પહેલા આપણે એ ચર્ચા કરવાની છે કે ખરેખર આ તહેવારોની ઉજવવાની શરૂઆત ક્યારથી થઈ? જો આ તહેવાર રામ અયોધ્યા આગમનથી જ થઈ હોય તો. તેના કોઈ ઐતિહાસિક પુરાવા તો છે જ નહિં પણ ખુદ રામાયણમાં પણ તેનો ઉલ્લેખ હોવો જોઈએ. 


જ્યાં સુધી એવો દાવો કરવામાં આવે છે કે, શ્રીરામના પાછા ફરવાના કારણે પુરી અયોધ્યામાં લોકોએ દીવાઓ પ્રગટાવ્યા હતા, તો યુધ્ધકાંડમાં શ્રીરામના અયોધ્યા પરત ફરવાની ઘટના છે, તેમાં ક્યાંય પણ રામના પાછા ફરવાના કારણે જાહેરમાં દીવા સળગાવીને સ્વાગત કરવાની કે ઉજવણી કરવાનો ઉલ્લેખ નથી.


ફક્ત યુદ્ધ કાંડ જ નહિ, પરંતુ સંપૂર્ણ રામાયણમાં એવો ક્યાંય પણ ઉલ્લેખ નથી કે શ્રીરામના જન્મદિન કે લગ્ન કે અન્ય કોઇ પણ પ્રસંગે પ્રજાએ એક સીંગલ દિવડો પ્રગટાવ્યો હોય. 


જો કે દેખીતુ છે કે આનંદ પ્રગટ કરવા માટે દીવો સળગાવવાનો રિવાજ આર્ય જીવનનો ભાગ ન હતો. અને રામાયણ એ સંપૂર્ણ પણે આર્યન થિયરી પર લખાયેલ ગ્રંથ છે. દિવાળી તેમજ દશેરા ઉજવવા પાછળ અન્ય પણ કથાઓ જોડી છે જેમ કે, દુર્ગાપુજા, લક્ષ્મિપુજા, નરકાસુર વધ, મહિષાસુર વધ વિગેરે વિગેરે..... આ બધુ પૌરાણિક કથાઓમાં કહ્યું છે તે છે. હવે ચાલો એ જોઈએ કે આધારિત ઈતિહાસ શું કહે છે?


ભારતના ઇતિહાસ પર ઉપલબ્ધ પ્રથમ પુસ્તક "ઈંડિકા" સમ્રાટ ચંદ્રગુપ્ત મૌર્યના દરબારમાં રહેતા ગ્રીક રાજદૂત મેગેસ્થનીસ દ્વારા લખાયેલું છે. તેઓ લખે છે કે બુદ્ધની 2 સદીઓ પહેલા આર્ય-બ્રાહ્મણોની એક ટોળી દિયોદાસના નેતૃત્વ હેઠળ ભારત આવી હતી. તેઓ ભારતની સરહદ ઈન્ડિકસ (અફઘાનિસ્તાનમાં એક ડુંગરાળ વિસ્તાર) નજીક સ્થાયી થયા હતા. તેઓ ખુલ્લા મેદાનોમાં આવ્યા હતા, પરંતુ ગરમી સહન કરી શક્યા ન હતા. તેથી તેઓએ તેમની વસાહતો હિમાલયની તળેટીમાં સ્થાયી કરી. તેમાંથી કેટલાક કપિલવસ્તુ સુધી પહોંચ્યા. 


એલેક્ઝાંડર ઉર્ફે સિકંદરે આ વિસ્તાર જીતી લીધો અને સેલ્યુકસને તે વિસ્તારના ગવર્નર તરીકે નિયુક્ત કર્યો હતો. જ્યારે સમ્રાટ ચંદ્રગુપ્ત મૌર્યએ સેલ્યુકસને હરાવ્યો, ત્યારે તેણે તેની પુત્રીના લગ્ન સમ્રાટ સાથે કર્યા અને આ આર્ય-બ્રાહ્મણ કોલોનીને દહેજમાં દંપતીને દાનમાં આપ્યું. ત્યારબાદ બ્રાહ્મણોએ મુક્ત રીતે ભારતમાં પ્રવેશ કર્યો. જેનુ પરિણામ આશ્ચર્યજનક હતું. બુદ્ધને તેના 45 વર્ષના ધમ્મ-પ્રચાર પછી ફક્ત કોઈ કોઈ જગ્યાએ લોહિયાળ યજ્ઞોનો સામનો કરવો પડ્યો, પણ આ દહેજની ઘટના પછી આવેલા બ્રાહ્મણોનો અને તેમના લોહિયાળ યજ્ઞોનો ફેલાવો એટલી ઝડપથી થયો કે સમ્રાટ અશોકને યજ્ઞોમાં કતલ કરવા પર પ્રતિબંધ મૂકવા વિશેના ફરમાન જાહેર કરવા પડ્યા!! આવુ ઈન્ડીકામાં લખેલુ છે. અને આવા અનેક અલગ અલગ ટુકડાઓમાં વર્ણનો આજે પણ ઉપલબ્ધ છે. 


જ્યાં સુધી તહેવારોની વાત છે, ત્યાં સુધી મેગેસ્થનીસે લખ્યું છે કે બીયાસને પવિત્ર નદી માનવામાં આવતી હતી અને લોકો પૂર્ણ ચંદ્રના (પુનમ) દિવસે ડૂબકી લઈને પવિત્ર થતા હતા. તેમણે ગંગા અને જમુના નદીઓનો પણ ઉલ્લેખ કર્યો. પરંતુ તેમણે તેમનો પવિત્ર હોવાનો ઉલ્લેખ કર્યો નથી. તેમજ તેમણે તેમના કાંઠે કોઈ યાત્રાધામનો ઉલ્લેખ કર્યો નથી. બૌદ્ધ અને જૈન ભિક્ષુઓને સમાજમાં માન આપવામાં આવતું હતું. તેમણે ઉલ્લેખિત કોઈપણ ધાર્મિક વ્યક્તિત્વનું નામ હતુ તે એકમાત્ર બુદ્ધનું જ હતુ.. તેમણે દશેરા, દિવાળી, વિજયાદશમી કે દીપદાનોત્સવ જેવા કંઈપણનો ઉલ્લેખ કર્યો નથી. આથી એવું માનવામાં આવે છે કે તે સમય દરમિયાન આ તહેવારોની શરૂઆત થઈ ન હતી. 


તે પછી, ભારતીય ઈતિહાસ પર ઉપલબ્ધ પુસ્તકો છે, ચીનથી આવેલા બૌદ્ધ ભન્તેઓની પ્રવાસી નોંધો. સૌપ્રથમ ચીની આવનાર બૌદ્ધિસ્ટ મોન્ક (ભન્તે) ફાહિયાન હતો (ઈ.સ.399 થી 414). તે પછી હ્યુએન ત્સંગ આવ્યો (ઈ.સ. 629 થી 645). અને પછી ઈત્સિંગ (ઈ.સ. 671 થી 695).




તેઓએ ભારતના દરેક ખૂણાની મુલાકાત લીધી હતી. વર્ષોના ભારત પ્રવાસ દરમિયાન તેઓએ ક્યાંય પણ પોતાની નોંધમાં દિવાળી કે દશેરાનો ઉલ્લેખ નથી કર્યો. પરંતુ તેઓએ એ પ્રસંગનો વિગતવાર ઉલ્લેખ કર્યો છે કે, "અશ્વિન માસના દસમાં દિવસે સામાન્ય પ્રજા દ્વારા બુદ્ધ વિહારોને અને ભિખ્ખુઓને દિપ એટલે કે દિવાઓની ભેંટ આપવાની ભવ્ય ઉજવણી થતી હતી." તો આ પણ એક મજબૂત આધાર છે કે ઈ.સ. 700 સુધી પણ દિવાળી અને દશેરાનુ બ્રાહ્મણીકરણ થયુ ન હતુ. મતલબ કે વર્તમાન સમયમાં ઉજવાતી દિવાળી અને દશેરાની શરૂઆત સાતમી સદીમાં પણ નથી થઈ.


ઈ.સ.1017 માં અલ-બરુની ભારત આવ્યો હતો, જે એક વિશ્વપ્રસિદ્ધ વાસ્તવિક સ્કોલર છે, જેમણે ભારતભરમાં પ્રવાસ કર્યો અને ભારતીયોની દરેક આદતોને તેમના પુસ્તક કિતાબ-ઉલ-હિંદમાં ખૂબ વિગતવાર લખી.


ભારતીય લોકો ઉજવણી કરતા હતા તેવા 32 જેટલા તહેવારોનો ઉલ્લેખ તેમણે કર્યો. આશ્ચર્યજનક રીતે આ સૂચિમાં દશેરાનુ નામ આવતુ નથી. દિપાવલીનો ઉલ્લેખ છે પરંતુ કારણ આશ્ચર્યજનક છે. કાર્તિક માસની અમાસની રાત્રે લોકોએ દીવડાઓ પ્રગટાવ્યા કારણ કે તે દિવસે સમ્રાટ રાજા બલી દેવતાઓની જેલમાંથી છટકી ગયો હતો. લોકોએ ફક્ત તેમના ઘરો પર જ નહીં, પરંતુ માર્ગો અને ચોક પર પણ દીવા પ્રગટાવ્યા હતા જેથી સમ્રાટ રાજા બલી તેના મહેલનો માર્ગ અથવા તેના માટેનુ કોઈ પણ આશ્રીત સ્થળ જોઈ શકે!


આમ તે સમયે પણ દીવા સળગાવવાના ઉત્સવને શ્રીરામના આગમનની કથા સાથે જોડવામાં આવ્યો ન હતું. તેમજ રાજા રાવણ અને તેના પરિવારના સભ્યોનુ પુતળા દહન પણ તે સમય સુધીમાં હજી શરૂ થયું ન હતું.


રાજા બલીના સંદર્ભમાં અહીં એ ઉલ્લેખ કરવો પડે કે, રાજા બલી રાજા હિરણ્યકશ્યપના પ્રપૌત્ર, પ્રહલાદના પૌત્ર અને વિરોચનના પુત્ર હતા. તે એક સમયના ઉતર ભારતના મહાન સમ્રાટ હતા અને જેનો વંશ નાગ હતો. તેનુ રાજ ચારેકોર થી સુરક્ષિત અને મજબૂત હતુ. તે એકદમ ન્યાયપ્રિય હતા. સમગ્ર રાજ્યમાં પ્રજા ખુશહાલ જીવન જીવતી હતી. દીપાવલીના દિવસે આજે પણ ભારતના મોટા ભાગના લોકો રાજા બલીને તેમના સામ્રાજ્યમાં પાછા ફરવા અને બધા સાથે ન્યાય કરવા વિનંતી કરે છે. આ રીતે 1000 ની સદી સુધી, દિવાળીના દિવસે દીવા પ્રગટાવવાનો શ્રીરામ સાથે નહિ પણ કોઈક બીજી જુની પરંપરા સાથે જ સંબંધ હતો. અને એ પરંપરા બૌદ્ધ ધમ્મ સાથે જોડાયેલ હતી.


બાદમાં લગભગ 500 વર્ષ પછી મુઘલો આવ્યા. બાબરે બાબરનામા લખ્યુ હતુ. તેમણે પણ દશેરા કે દિવાળી અથવા વિજયાદશમીનો કોઈ ઉલ્લેખ કર્યો નથી. હા, તેમણે કાર્તિક મહિનાની અમાસની સાંજે મહિલાઓ દ્વારા પાળવામાં આવતી પરંપરાનો ઉલ્લેખ કર્યો. મહિલાઓ પીપળાના ઝાડ નીચે દીવા પ્રગટાવતી હતી. અહીં ઉલ્લેખ કરવો જરૂરી નથી કે પીપળાના ઝાડ સાથે બુદ્ધિઝમનો શું સંબંધ છે. પીપળાના વૃક્ષનુ બૌદ્ધ માટે બહુ જ મહત્વ છે. 


ત્યારબાદ તેમના પૌત્ર અકબરે અકબરનામા લખાવ્યુ. તેમણે હોળી રમવાનો વિગતવાર ઉલ્લેખ કર્યો હતો પરંતુ દશેરા કે દિવાળી અથવા વિજયાદશમીનો કોઈ ઉલ્લેખ કર્યો નથી. 


જ્યારે તુલસીદાસે હિન્દી બોલીમાં રામચરિતમાનસ લખ્યુ, ત્યાર બાદ જ શ્રીરામે જનતામાં જાણીતા બન્યા અને લોકપ્રિયતા મેળવી. ઇતિહાસ એ વાતનો પુરાવો આપે છે કે વારાણસીના બ્રાહ્મણોએ તુલસીને ગંગા નદીના કાંઠે બેસવાની અને હિન્દીમાં તેમની કવિતા લખવાની મંજૂરી આપી ન હતી. તેણે કોઈ મસ્જિદમાં આશરો લેવો પડ્યો અને ત્યાં રામચરિત લખવું પડ્યું. મુસ્લિમો દ્વારા તેમને ત્યાં રહેવા દરમિયાન ખોરાક-પાણીની પણ વ્યવસ્થા પુરી પાડી હતી.


"ઈન્ડીયા એન્ડ ઈટ્સ ઇન્હેબીટન્ટ" નામના પુસ્તકમાં એક જગ્યાએ લખ્યૂ છે કે "ઈ.સ.1625 માં તુલસીદાસના શિષ્ય મેઘભગતે એક નાટક લખ્યું જે હવે રામલીલા તરીકે ભજવવામાં આવે છે. તે નાટકમાં શ્રીરામના પરત આવ્યાના પ્રસંગે દીવડાઓ સળગાવવાની ઘટના દાખલ કરવામાં આવી હતી. દુર્ભાગ્યે, પ્રારંભિક સમયમાં, મુખ્ય પાત્રોની ભૂમિકા ભજવતા અભિનેતાઓનુ દેવના નામે બલિદાન આપવામાં આવતુ હતુ. જો કે, પછીથી, આ રિવાજ બંધ કરાયો હતો."


યુરોપિયન પ્રજાના આગમન બાદ જ્યારે યુરોપિયન વિદ્વાનો ભારત આવ્યા ત્યારે તેઓ વિચિત્ર રીતરિવાજો અને ભારતના તહેવારો જોઈને દંગ રહી ગયા હતા. તેઓએ આ તહેવારોની ઉજવણીમાં કરવામાં આવતી ધાર્મિક વિધિઓની મિનિટો સાથેની વિગતોનુ વિસ્તૃત વર્ણન કર્યુ. 1854 માં લખાયેલા પુસ્તકમાં રામલીલાની વાત છે પણ પુતળા દહન કરવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.. એટલે કે દશેરાનો. 1904 માં લખાયેલા પુસ્તકમાં પ્રથમ વખત ફટાકડા લગાવેલા પુતળા સળગાવવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.


આમ દશેરા માત્ર એક સદી જૂનો તહેવાર છે. દિવાળીની કોઈ કડી નથી. કહેવાતા દ્વાપર યુગના શ્રીરામની કથા સાથે જે કંઈ પણ છે, તે રામાયણમાં ઉલ્લેખિત તારીખો ખૂબ જ સ્પષ્ટ રીતે હકીકત સ્થાપિત કરે છે.


જો આપણે ઇતિહાસ તરફ જઈએ તો, ખડકો અને શિલાલેખો પર સમ્રાટ અશોક દ્વારા કોતરાવવામાં આવેલી રાજાજ્ઞાઓ, એ હકીકતનો પુરાવો છે કે વિજયાદશમીનો ઉત્સવ તેમના સમયમાં શરૂ કરવામાં આવ્યો હતો. (ઇન્ડિકામાં મેગેસ્થનીસ દ્વારા પણ ઉલ્લેખિત છે).


કારણ કે આ જ દિવસે મતલબ કે આસો મહિનાની સુદ દશમના દિવસે જ સમ્રાટ મહાન અશોકે બૌદ્ધ ધમ્મની દિક્ષા લીધી હતી. એ પછી દર ચોથા વર્ષે, તેમના બૌદ્ધ ધમ્મ અપનાવવાની વર્ષગાંઠની ઉજવણી કર્યા પછી, તે ધમ્મની યાત્રા માટે નીકળતો હતો, એટલે કે મહેલની બહાર નીકળીને, સામાન્ય લોકો અને ભીખ્ખુઓને મળતો હતો અને ધમ્મના તેમના અનુભવો સાંભળતો હતો. ધીરે ધીરે આ રિવાજ વાર્ષિક કાર્ય બની ગયો અને સમગ્ર બૌદ્ધ-વિશ્વમાં ફેલાયો. અને તે "અશોક વિજયાદશમિ"ના નામથી પ્રસિદ્ધ ઉત્સવ બની ગયો હતો. 


જ્યારે ભંતે ફાહિઆને સને 399 માં બુદ્ધની ભૂમિ ભારત માટે પોતાની યાત્રા શરૂ કરી ત્યારે, તેમણે આ તહેવાર ચીનના પ્રખ્યાત પ્રાંત ખોતાનમાં જ ભારે ઉત્સાહથી ઉજવવામાં આવતા જોયો. ખોતાનથી ચેન્નઇ અને સિંધથી બંગાળ સુધી તેમને આ ઉત્સવ વિજયાદશમી એટલે કે અશ્વિન મહિનાના 10 મા દિવસે ઉજવવામાં આવતો જોવા મળ્યો. ફાહિયાને તેનુ વિગતવાર વર્ણન કર્યુ છે. આ પ્રથા 7 મી સદી દરમિયાન પણ પ્રચલિત હતી જ્યારે અન્ય ભંતેઓ ભારત આવ્યા હતા.


સમ્રાટ અશોક પછી 2500 વર્ષ બાદ બુદ્ધિઝમના સૌથી તેજસ્વી વિદ્વાન ડો. બાબા સાહેબ આંબેડકરે આ જ વિજયાદશમીના દિવસે બૌદ્ધ ધમ્મની દિક્ષા લીધી હતી. તેમણે ધર્મ પરિવર્તનની વાત તો 20 વર્ષ પહેલા કરી લીધી હતી. તેમણે આ ખાસ દિવસ શા માટે પસંદ કર્યો તે સમજાવતી વખતે, તેમણે જણાવ્યું હતું કે વિજયાદશમીના આ દિવસે, સમ્રાટ અશોકે બૌદ્ધ ધર્મની ઔપચારિક સ્વીકૃતિ લીધી હતી અને બુદ્ધ દ્વારા શીખવવામાં આવેલ માનવતાનો સંદેશો ફેલાવવાની ગૌરવપૂર્વક પુષ્ટિ આપી હતી. એ ઘટનાને સંવત પ્રમાણે બરાબર 2500 વર્ષ પુરા થતા હતા. એટલે ડો. આંબેડકરે આ ઘટનાને ઐતિહાસિક સમય સાથે જોડી દીધી હતી. 


એવી જ રીતે દિવાળી અથવા દિપાવલી એ ઉત્સવનુ વાસ્તવિક નામ "દિપદાન-ઉત્સવ" એટલે કે "દિપદાનોત્સવ" છે. બૌદ્ધકાલિન સાહિત્ય પ્રમાણે અશ્વિન વદ અમાસના દિવસે ગૌતમ બુદ્ધ બુદ્ધત્વ પ્રાપ્ત કરીને ફરી કપિલવસ્તુ આવ્યા ત્યારે તમામ નગરજનોએ તેમના સ્વાગત માટે તમામ ઘર, રસ્તાઓ, ચોક સાફ અને સ્વચ્છ કરી રંગોળીઓથી સજાવ્યા હતા. તેમજ રાત્રે નગરજનોએ પોતાના ઘરોમાં અને જાહેરમાં દિવાઓ પ્રગટાવી આખુ નગર પ્રકાશિત કર્યુ હતુ. પરંતુ તે પછી એક સમયે આ ઉત્સવ દરમિયાન બુદ્ધના પ્રિય શિષ્ય મોગ્ગલાયનનું બ્રાહ્મણોએ ઈર્ષાને કારણે કત્લ કરી નાંખ્યુ હતુ. અને તેના શોકમાં એ દિવસને ઉજવવાનુ બંધ થઈ ગયુ હતુ. 


પરંતુ, ઈ.સ. પૂર્વે 258 માં સમ્રાટ મહાન અશોકે ફરી પાછો આ ઉત્સવ ચાલુ કરાવ્યો હતો. કહેવાય છે કે બુદ્ધે તેના જીવન કાળ દરમિયાન લગભગ 84,000 ગાથાઓ કહી હતી. અને સમ્રાટ અશોકે તેના માનમાં 84,000 બુદ્ધ સ્તુપો, વિહારો બનાવ્યા હતા. સમ્રાટ અશોકની રાજધાની પાટલીપુત્ર હતી. જે અત્યારે પટના તરીકે ઓળખાય છે. જે આજે પણ બીહારની રાજધાની છે. અને બિહાર એ "વિહાર" પરથી પડેલ નામ છે. આમ 84,000 સ્તુપો અને વિહારોના માનમાં નગરજનોએ દિપ પ્રગટાવીને એકબીજાને દિપોની ભેટ આપી હતી. તથા વિહારોમાં અને સ્તુપોમાં દિપોનુ દાન કર્યુ હતુ. આમ આ દિપદાનોત્સવ ઉત્સવની ફરી શરૂઆત સમ્રાટ અશોકે કરાવી હતી. તે કઈ રીતે ઉજવાતા તેના પણ વર્ણનો છે.


જેને સમ્રાટ હર્ષવર્ધન તેમની નાટ્યકૃતિ "નાગાનન્દ" માં "દિપપ્રતિપદોત્સવ" તરીકે ઓળખાવે છે.


આમ તેમાં કોઈ શંકાને સ્થાન નથી કે આસો માસમાં ઉજવાતા આ બંને તહેવારો આપણા સમાજના ખરા અને મહાન ઉત્સવ છે. પણ તેના મુળમાં રહેલ ઐતિહાસિક મહાન ઘટનાઓને જાણ્યા પછી જ તેને ઉજવવાનુ ગૌરવ કંઇક અલગ હોય છે.

Comments

Popular posts from this blog

#પૂના કરાર

સમાજ ના ડખા