માઓવાદી
હવે આવી કવિતા નહીં રચાય.
માઓવાદી / જયેશ જીવીબહેન સોલંકી
ચોક્કસ એ
માઓના મામાની
માસીના ફોઈનો
ષડયંત્રકારી છોકરો હોવો જોઈએ!
ભાદરવી પૂનમના મેળામાં
છૂંદણાવાળા પાસે
નામ લખાવેલું
એ નામ ખોટું પણ હોય,
એના દીકરાનું નામ
‘વિપ્લવ’ શા માટે?
મંગલ પાંડેના પેઢીનામામાં
એ નામનો ક્યાંય ઉલ્લેખ પણ નથી!
ઊંચા ડુંગર પર બનાવેલા
એના માટીના મકાનમાંથી
ચોક્કસ કોઈ ભોંયરું
લેનિનના અભ્યાસખંડને
મળતું હોવું જોઈએ!
ભીંત પર ચીતરેલાં
મોર, પોપટ, ફૂલ
હિંસક ક્રાંતિ માટે શોધેલી
નવી લિપિ પણ હોય!
ભીંતમાં જડેલું હરણનું શિંગડું
ઇન્ટરનૅશનલ સંપર્ક માટેનું
ઍન્ટિના પણ હોઈ શકે!
ઓસરીના ખૂણામાં
કરેલા કેરીઓના ઢગલામાં
કદાચ
કેરી-બોમ્બ પણ હોય
કમિશનરની કચેરી ઉડાડી દેવા માટે!
શિંગડા પર ટિંગાડેલું તીર
પેન્સિલ સ્ટાઇલની નવી મિસાઇલ પણ હોઈ શકે
ગૃહયુદ્ધની પૂર્વતૈયારીના ભાગરૂપે!
વાંસની જાળીવાળું
મરઘીના બચ્ચાનું નાનકડું ઘર
લૅટેસ્ટ એલ.સી.ડી. પણ હોઈ શકે
સરકારની ગતિવિધિ ધ્યાનમાં રાખવા માટે!
ઢોલની પડી માટે સાચવેલા
બકરીના ચામડામાં
કદાચ
પાર્ટીનો ગુપ્ત દસ્તાવેજ લખેલો હોય
નવી શોઘેલી લિપિમાં!
એના
આદિવાસી પડોશી પણ કેતા’તા :
"એ દાડીમાં દહશેરની જુવારને બદલે
અધમણ માગતો’તો
એની મા-બેટીને
જમીનદારને ત્યાં નહીં જ મોકલે એમ કેતો’તો
અને
ટુકડો જમીન માટે સરકારની સામે લડતો’તો"
ખરેખર એ માઓવાદી હતો.
અલવિદા જયેશભાઈ
Comments
Post a Comment